| |
છીપા સમસ્ત જમાતનું બંધારણ
૧. નામ :
આ જમાતનું નામ ‘‘અમદાવાદ છીપા સમસ્ત જમાત’’ રહેશે.
ર. છીપા કોમની વ્યાખ્યા :
અમદાવાદ શહેરના માસ્ટર પ્લાન અને આસપાસ વસતા મુસલમાન છીપા કોમના માણસો ‘‘છીપા વ્યકિત’’ જેમના અથવા તેમના કુટુંબના નામ પોથીમાં નોંધેલા હોય તે અને જેમના મા-બાપ મુસલમાન છીપા હોય તે વ્યકિત ‘‘છીપા’’ ગણાશે.
૩. કમિટી :
છીપા સમસ્ત જમાતના બંધારણમાં નક્કી થયેલા કાયદા કાનૂન મુજબ બંધારણનો અમલ કરવા-કરાવવા માટે ‘‘છીપા સમસ્ત જમાત કમિટી’’ નીમવામાં આવશે. આ કમિટીનું નામ ‘‘છીપા સમસ્ત જમાત કમિટી’’ રહેશે.
૪. ઉદ્દેશ :
અમદાવાદમાં વસ્તી છીપા કોમ માટેના ઉદ્દેશો નીચે મુજબ રહેશે.
૧. અમદાવાદ શહેરમાં આપણી જમાતના લોકોમાં એકતા, સંગઠન અને ભાઇ-ચારો વધે અને કાયમ રહે તે માટે તેને લગતા કામો કરવા, લોકોના આર્થિક હીત તેમજ સામાજિક પ્રશ્નો હલ કરવા માટે યોગ્ય પગલાં ભરવા, આપણાં સમાજના લોકો કે જેઓ આર્થિક તેમજ સામાજિક રીતે નબળા હોય તેઓને યોગ્ય માર્ગદર્શન આપી પુરેપુરી સવલતો આપવી.
૨. જમાતના લોકોને શૈક્ષણિક ક્ષેત્રે મદદની જરૂર હોય તેવા લોકોને મદદ કરવી તેમજ આપણી જમાતના ભાઇ-બહેનોને શૈક્ષણિક, ડોકટરી, વિજ્ઞાન વગેરે ક્ષેત્રે પરીક્ષાઓમાં સારા માર્કસથી પાસ થાય તેમજ કોલેજોમાં સહેલાઇથી એડમીશન મલે તે અંગે સહાય કરવી. શિક્ષણના હેતુઓ માટે શિષ્યવૃત્તિ, પુસ્તિકા અને અન્ય સહાય પુરી પાડવી.
૩. આપણી જમાતના ભાઇઓ મુખ્યત્વે ટેક્ષટાઇલ ઉધોગમાં પરોવાયેલા હોય છે. ટેક્ષટાઇલ તેમજ અન્ય ઉધોગોમાં તેઓ આગળ વધે તે માટે જરૂરી માર્ગદર્શન આપી આર્થિક સહાય કરવી. ટેક્ષટાઇલમાં વપરાતા કેમીકલ્સ કલર માટે એક અધતન લેબોરેટરી સ્થાપવી અને તેમાં આપણી જમાતના ભાઇ-બહેનોને તાલીમ આપવી.
૪. ભવિષ્યમાં આપણી સંસ્થા આર્થિક રીતે સધ્ધર થયા બાદ આપણાં જમાતના લોકો માટે રહેઠાણ પુરા પાડવા માટે જરૂરી સહાય કરવી. આપણી જમાતના ભાઇઓ સરકારી યોજનાઓ મુજબ હાઉસીંગ કોલોનીઓ બાંધવા માંગતા હોય તેમની બનતી શકય સહાય કરવી.
૫. છીપા જમાતનાં ઉદ્દેશોનો વધારો કરવો તથા તેમને સિધ્ધ કરવા માટે સંપાદન કરવા અથવા મેળવવા અને તેમનો વહીવટ કરવો.
૬. આપણી જમાતના લોકોને વદૈકીય સહાય કરવી.
૭. છીપા કોમના અને બીજા કોમના લોકો વચ્ચે ભાઇચારો તથા પ્રેમભાવ વધે તે માટે છીપા સમસ્ત જમાતના સભ્યોએ મીલન સંમેલનો યોજવા. છીપા કોમના લોકોમાં એકતા અને સંગઠન વધારવા પ્રયાસ કરવા.
૮. છીપા સમસ્ત જમાતમાં ખોટા રિવાજો અને ખર્ચાઓ નાબુદ કરવા તેમજ સાદા અને સરળ રિવાજો અપનાવવા.
૯. રમત-ગમત ક્ષેત્રે ઉત્તેજન આપવા પ્રયત્નો કરવા, યોગ્ય લાગે તો આર્થિક સહાય કરવી તથા યોગ્ય માર્ગદર્શન આપવું.
૧૦. છીપા સમસ્ત જમાતની કોઇપણ વ્યકિત તરફથી છીપા સમસ્ત જમાત કમિટીને લેખીત અરજી આપી છીપા સમસ્ત જમાત કમીટીને લવાદી તરીકે રહેવાની વિનંતી કરવામાં આવશે તો કાયદાની મર્યાદામાં રહી યોગ્ય ફેંસલો આપશે.
૧૧. છીપા સમસ્ત જમાત કમિટી અમદાવાદ શહેર બહારના સામાજીક ઝઘડા અંગે લવાદી રહેશે નહીં. છતાં બન્ને પક્ષો તરફથી છીપા સમસ્ત જમાત કમિટીને લવાદી માટે લેખીત અરજીઓ મળશે અને છીપા સમસ્ત જમાત કમિટીને યોગ્ય લાગશે તો તે લવાદ તરીકે રહેશે. અને ફેંસલો આપશે. છીપા સમસ્ત જમાત કમિટીએ આપેલ ફેંસલો બન્ને પક્ષોને બંધનકર્તા છે એવું લખાણ બન્ને પક્ષો તરફથી જમાત કમિટીને આપવું પડશે.
૧૨. છીપા સમસ્ત જમાત કમિટી છીપા સમસ્ત જમાતના સામુહીક હક્કો અને હિતોનું રક્ષણ કરશે.
૧૩. છીપા સમસ્ત જમાતના કબ્રસ્તાનનું સરળ વહીવટ માટે છીપા સમસ્ત જમાત કમિટી ‘‘છીપા કબ્રસ્તાન કમિટી’’ નીમી વહીવટી સોંપશે.
૧૪. છીપા સમસ્ત જમાત માટે મંગની, લગ્ન, આણા, ચેહલુમ તેમજ અન્ય સીધા અને સાદા સામાજીક કાનૂનો બનાવવા તેમજ તેનું ઉલ્લંઘન કરનાર ઉપર દંડ અથવા કોઇ કાર્યવાહી કરવી.
૧૫. આપણી છીપા સમસ્ત જમાતની બહેનોમાં તાલીમ વધે તે માટે પ્રયત્નો કરવા તેમજ હુન્નર ઉધોગ શિખવાડી પગભર થાય તેવી વ્યવસ્થા કરવી.
૧૬. જમાતના કાર્યોની જાણ થાય તેમજ દીન દુનિયા વિષે જાણકારી મળતી રહે તે માટે એક વ્યવસ્થિત બુલેટીનનું પ્રકાશન કરવું.
૧૭. છીપા જમાતની તાબાની મિલકતોનું વહીવટ કરવું.
૧૮. શિક્ષણ તેમજ અન્ય ક્ષેત્રે સિધ્ધી હાંસલ કરનાર અને સરકારી ક્ષેત્રે માન-મરતબો મેળવનારનું સન્માન કરવું.
૧૯. સમગ્ર ભારતીય છીપા સમસ્ત જમાતનું અધિવેશન ભરી તેમાં ભાઇચારો, સામાજિક સમાનતા તેમજ સંગઠન વધારવા પ્રયત્નો કરવા.
પ. જનરલ મીટીંગ (આમ પંચાયત)
૧. છીપા સમસ્ત જમાતની જનરલ મીટીંગ (આમ પંચાયત) મૌખિક એલાન આપી. હેન્ડબીલથી અથવા પ્રચારના અન્ય માધ્યમ દ્વારા ખબર આપીને બોલાવવામાં આવશે અને તે નીચે મુજબના કામો કરશે.
ર. અમદાવાદ માસ્ટર પ્લાનની હદમાં વસતા પુખ્ત વયના છીપા કોમના સભ્યોની બનેલી આમ સભા ને આમ છીપા સમસ્ત જમાત કહેવાશે અને આવી છીપા સમસ્ત જમાતની મીટીંગ સાદ પાડીને, પેમ્ફલેટ છપાવીને અથવા તો છીપામાં જાહેરખબર આપી મીટીંગના ૩ દિવસ અગાઉ છીપા સમસ્ત જમાત કમિટીની મીટીંગમાં ઠરાવ કરી બોલાવી શકશે. આવી મીટીંગમાં છીપા સમસ્ત જમાત કમિટીનાં મોહલ્લામાંથી ચુંટાયેલા સભ્યોના નામોની જાહેરાત કરવામાં આવશે. છીપા સમસ્ત જમાત કમિટીના પ્રમુખ આ મીટીંગના પ્રમુખ રહેશે.
૩. છીપા સમસ્ત જમાત કમિટી તરફ રજુ કરવામાં આવતા વાર્ષિક અહેવાલો રજુ કરવામાં આવશે.
૪. છીપા સમસ્ત જમાત કમિટી તરફથી કોઇ અગત્યનો કેસ રજુ થાય તો જનરલ મીટીંગમાં તે ઉપર ચર્ચા વિચારણા કરી યોગ્ય ફેંસલો આપશે.
૫. છીપા સમસ્ત જમાત કમિટીની મુદ્દત પુરી થયા પછી ૩ મહીનામાં જનરલ મીટીંગ બોલાવવામાં આવશે, સંજોગોવસાત મુદ્દત લંબાવી શકશે.
૬. પ્રમુખ, ઉપપ્રમુખની ગેરહાજરીમાં કમિટીના કોઇપણ સભ્યને પ્રમુખ ચુંટી કાર્યવાહી કરી શકાશે.
૬. છીપા સમસ્ત જમાતની મિલ્કતો :
૧. છીપા સમસ્ત જમાતની મિલ્કતોમાં હાલ નીચે મુજબની મિલ્કતો છે. છીપા કબ્રસ્તાન ટ્રસ્ટના નામે અમદાવાદના ડેપ્યુટી કમીશ્નર સાહેબની કચેરી એ.બી. ૨૪૮ અમદાવાદના નંબરે રજીસ્ટર થયેલ મિલકતો.
૨. શહેર અમદાવાદના જમાલપુર વોર્ડના સીટી સર્વે નંબર : ૩૫૦૧ તથા મ્યુ. નંબર : ૨૭૬૭ વાલું મકાન (છીપા સમસ્ત જમાત ઓફિસનું) તથા તેની નીચેની દુકાનો.
૩. જમાલપુર ૧ ના સર્વે નંબર ૩૫૦૨ સેન્સન સ. નંબર : ૨૭૬૮ અને ૨૭૬૮૧ ની મિલકતો લાંબી શેરીવાલી છીપા સમસ્ત જમાત ઓફિસની બાજુની.
૪. જમાલપુર ૧ નાડીયાવાડ ખાતે આવેલી સર્વે નંબર ૪૩૩૧, ૪૩૩૨, ૪૩૩૩, ૪૩૩૪ સેન્સનલ ૩૪૧૩ ૧ ટ્રસ્ટ.
૫. મોજે ફતેહવાડી (દસ્ક્રોઇ તાલુકા) ના ગામમાં ફતેહવાડી સીમમાં આવેલ સર્વે નં. ૪૩૨/૨ તથા ૪૩૨/૩ની બીન ખેતીની જમીન ચેરીટેબલ ટ્રસ્ટમાં નોંધાયેલ.
૭. ઓફિસ :
૧. આ છીપા સમસ્ત જમાતની ઓફિસ અમદાવાદમાં જમાલપુર, નવી મસ્જીદ પાસે તાજપુરમાં આવેલ છીપા જમાત બિલ્ડિંગ નામે ઓળખાતી કોલમ નં. ૬-૨માં બતાવ્યા મુજબની રહેશે.
૮. છીપા સમસ્ત જમાત કમિટી, અમદાવાદ :
૧. છીપા સમસ્ત જમાતની મિલકતો તેમજ ઉદ્દેશો પર પાડવા માટેની વ્યવસ્થા માટે નીચે મુજબના આઠ વિભાગો પાડવામાં આવ્યા છે.
૧. આસ્ટોડીયા
ર. પાંચપીપલી
૩. નવી મસ્જીદ
૪. નાડીયાવાડ
૫. મોટા બમ્બા
૬. આલીફંટ રોડ
૭. કાજીના ધાબા
૮. પરા વિભાગ
૨. દરેક મોહલ્લામાંથી છીપા સમસ્ત જમાત કમિટીએ કરેલા ઠરાવ મુજબના મેમ્બરો ચુંટીને નામો છીપા સમસ્ત જમાત કમિટીને મોકલશે અને તે નામો છીપા સમસ્ત જમાતની જનરલ મીટીંગ (આમ પંચાયત)માં મંજૂર થયેથી છીપા સમસ્ત જમાત કમીટી વજુદમાં આવશે.
૩. છીપા સમસ્ત જમાત કમિટીમાં ઓછામાં ઓછા ૩૨ અને વધુમાં વધુ ૪૦ મેમ્બરો રહેશે આવા મેમ્બરો નીચે જણાવેલ વિભાગોમાંથી જણાવેલ સંખ્યા મુજબ ચુંટીને મોકલશે.
૧. આસ્ટોડીયા - ૩
૨. પાંચપીપલી - ૬
૩. નવી મસ્જીદ - ૬
૪. નાડીયાવાડ - ૪
૫. મોટા બમ્બા - ૪
૬. આલીફંટ રોડ - ૩
૭. કાજીના ધાબા - ૩
૮. પરા વિસ્તાર - ૩ (૧ બહેરામપુરા, ૧ દાણીલીમડા, ૧ શાહઆલમ)
કૂલ ૩૨
તદ્દઉપરાંત બાકીના આઠ સભ્યો ચુંટાયેલી છીપા સમસ્ત જમાત કમીટી કો.ઓપ્ટ કરી શકશે. કો. ઓપ્ટ થયેલા સભ્યોને હોદ્દો આપી શકાશે.
૯. કમિટીઓ :
૧. કબ્રસ્તાન કમિટી :
કબ્રસ્તાનનું વહીવટ તા. ૫-૪-૭૧ની છીપા સમસ્ત જમાત (આમ પંચાયત)માં થયેલ ઠરાવ મુજબ ૧૪ સભ્યોની રહેશે. આ કબ્રસ્તાન કમિટી છીપા સમસ્ત જમાત કમિટી બનાવશે તેમાં આ પ્રમાણેના સભ્યો રહેશે. ૩-સભ્યો જમાત કમિટીના પ્રમુખ, સેક્રેટરી અને ખજાનચી : ૮ સભ્યો જમાત કમિટીમાંથી, દરેક મોહલ્લાનું એક સદસ્ય અને બાકીના ૩ સભ્યો પ્રમુખ અને સેક્રેટરીની સંમતિથી જમાત કમિટીના સભ્ય સિવાયના કો-ઓપ્ટ કરી શકશે. પ્રમુખ તેમના હોદ્દાની રૂએ કમિટીના પ્રમુખ ફરજિયાત નીમવામાં આવશે, ત્યારે ઓ. જ. સેક્રેટરી અને ખજાનચી તેમના હોદ્દાની રૂએ મરજીયાત રહેશે. તેઓ જો હોદ્દા નહીં સ્વીકારે તો ૧૧ મેમ્બરો (૩ હોદ્દેદારો અને ૮ મોહલ્લાના સભ્યો) માંથી સેક્રેટરી, ખજાનચી ચુંટવામાં આવશે.
ર. ચેરીટેબલ ટ્રસ્ટ કમિટી :
છીપા સમસ્ત જમાત કમિટીના ચુંટાયેલા સભ્યો અને હોદ્દેદારો તેમના હોદ્દાની રૂએ છીપા સમસ્ત જમાત ચેરીટેબલ ટ્રસ્ટની મેનેજિંગ કમિટીના સભ્યો ગણાશે ને તેનો વહીવટ કરશે. છીપા સમસ્ત જમાત કમિટી જે સભ્યોને કો-ઓપ્ટ કર્યા હશે તેઓ ચેરીટેબલ ટ્રસ્ટમાં પણ કો-ઓપ્ટ સભ્ય ગણાશે કો-ઓપ્ટ થયેલા સભ્યને હોદ્દો આપી શકાશે.
૩. ટ્રસ્ટી કમિટી :
છીપા સમસ્ત જમાતની કમિટી એક ટ્રસ્ટી કમિટી બનાવશે. આ ટ્રસ્ટી કમિટીમાં ઓછામાં ઓછા ત્રણ અને વધારેમાં વધારે પાંચ સભ્યો રહેશે. તેની મુદ્દત કમિટીની મુદ્દત ત્રણ વર્ષની રહેશે. ટ્રસ્ટીઓને છીપા સમસ્ત જમાત કમિટીના ઠરાવ અનુસાર મિલકતો ખરીદ કરવા, વેચવા, મોર્ટગેજ મુકવા, પટેથી લેવા અથવા તો અદલા બદલી કરવા, સંસ્થા માટે લોન લેવા તથા મિલકતો પોતાના નામ ઉપર રાખવાનો હક્ક રહેશે.
આ ટ્રસ્ટીઓ પૈકી કોઇ ટ્રસ્ટી રાજીનામું આપે, કમી થાય અથવા મરણ પામે તો તેની જગ્યાએ કમિટી બાકી રહી મુદ્દત માટે નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરશે. ત્યાં સુધી બાકી રહેલા સભ્યો તેમની ફરજો અદા કરી શકશે.
૧૦. કાર્યક્ષેત્ર :
છીપા સમસ્ત જમાત કમિટીનું કામ આ બંધારણ મુજબ છીપા સમસ્ત જમાત કમિટીની મિલ્કતો, કબ્રસ્તાન ટ્રસ્ટની મિલકતો, જમાતના અન્ય ટ્રસ્ટો, તેમજ ટ્રસ્ટોની મિલકતોનો વહીવટ કરવો. બંધારણનો અમલ કરવો તથા કરાવવાનો રહેશે.
૧૧. મુદ્દત :
છીપા સમસ્ત જમાત કમિટીની મુદ્દત ત્રણ વરસની રહેશે. અને તે સમય પહેલાં જો કોઇ ખાલી જગ્યા પડશે તો જે તે વિસ્તારમાંથી બાકીના સમય માટે તે પુરી શકશે.
૧૨. હોદ્દેદારો :
છીપા સમસ્ત કમિટીમાં નીચે મુજબના હોદ્દેદારો રહેશે. પ્રમુખ, ઉપપ્રમુખ, ઓ. જનરલ સેક્રેટરી, ઓન. જોઇન્ટ સેક્રેટરી અને ખજાનચી આ હોદ્દેદારોની ચૂંટણી છીપા સમસ્ત જમાત કમિટી ચુંટાઇને આવેલા મેમ્બરોમાંથી કરશે અને સંજોગોવશાત જો તે સમયમાં કોઇ જગ્યા ખાલી પડશે તો તે જગ્યા બાકીના સમય માટે છીપા સમસ્ત જમાત કમિટી પુરી શકશે.
૧૩. છીપા સમસ્ત જમાત કમિટીની સત્તા અને ફરજો :
૧. આમ છીપા સમસ્ત જમાત બંધારણના ધારા ધોરણ અનુસાર મળેલ સત્તા અને ફરજો ઉપરાંત છીપા સમસ્ત જમાતની તમામ સ્થાવર તથા જંગમ મિલ્કત, દંડ, અસ્કયામતોનો વહીવટ, સત્તા, દેખરેખ, રક્ષણ, નીભાવવાની જવાબદારી અને હક છીપા સમસ્ત જમાત કમિટીને રહેશે.
ર. જયારે જયારે જરૂર પડે ત્યારે છીપા સમસ્ત જમાત કમિટી પેટા કમિટીઓ નીમશે અને તેમને કામગીરી તથા અખ્તીયાર સોંપશે અને તેમાં ગમે ત્યારે રદદો બદલ તથા ફેરફાર કરી શકશે.
૩. સ્ટાફ નિમણૂક કરવાની, તેમના પગાર, ગ્રેડ તથા નોકરીની શરતો કરવાની, સસ્પેન્ડ કરવાની અથવા બરતરફ કરવાની અને જરૂરી જણાય તો હોદ્દેદારો તેમજ સભ્ય કાર્યકરો માટે બજેટને આધીન રહી ‘‘ઓનેરેરીયમ’’ નકકી કરવાની સત્તા છીપા સમસ્ત જમાત કમિટીને રહેશે.
૪. કોઇપણ કામ અંગે થયેલા ખર્ચ ને જે ચાલુ વરસમાં દર્શાવ્યા સિવાયનો હશે તો તે ખર્ચ તે પછીની મીટીંગમાં મંજુર કરાવવું પડશે.
૫. છીપા સમસ્ત જમાતના હેતુઓ બર લાવવા માટે કોઇપણ સ્થાવર મિલકત ખરીદ કરવા, વેચવા, અદલા બદલી કરવા, મોર્ટગેજ મુકવા, પટેથી લેવા અથવા છીપા સમસ્ત જમાત કમિટીને ઠરાવની કરવાની સત્તા રહેશે.
૬. છીપા સમસ્ત જમાતના ઉદ્દેશો અને હેતુઓ પાર પાડવા માટે જરૂરી કાર્યવાહી અને કામો અને તે અંગે થતાં જરૂરી ખર્ચ છીપા સમસ્ત જમાત કમિટી કરી શકશે.
૭. નવી છીપા સમસ્ત જમાત કમિટીના હોદ્દેદારો ચુંટાઇને ચાર્જ ન લે ત્યાં સુધી જુની છીપા સમસ્ત જમાત કમિટી અને હોદ્દેદારો કામો કરશે અને તે હોદ્દેદારો કાયદેસર ગણાશે.
૮. છીપા સમસ્ત જમાતની તમામ સ્થાવર તથા જંગમ મિલ્કતનો ઉપયોગ છીપા જમાતના હેતુઓ માટે તથા હેતુઓ આગળ ઘપાવવા માટે છીપા સમસ્ત જમાત કમિટીને હકક રહેશે.
૧૪. છીપા સમસ્ત જમાત કમિટીની જવાબદારી બાબત :
૧. શુધ્ધ બુધ્ધિથી આ નિયમો પ્રમાણે કરેલું કામ કાયદેસર ગણાશે.
ર. મેમ્બરમાં કોઇપણ મેમ્બરની બદદાનત અગર ગંભીર બેદરકારી સિવાય જમાતની કોઇપણ રકમ કે મિલ્કતને નુકશાન થાય તો તે માટે કોઇ મેમ્બર જાતે જવાબદાર થશે નહીં.
૩. છીપા સમસ્ત જમાત કમિટી, ટ્રસ્ટી કમિટી અથવા તો કોઇપણ કમિટીમાંથી કોઇપણ મેમ્બર મરણ પામે અગર તો રાજીનામું આપે અને તે રાજીનામું મંજુર થાય. શારીરીક અથવા માનસીક કારણોસર તેની જવાબદારી બજાવી શકે તેમ ના હોય તો તે મેમ્બરમાંથી કમી થયેલ ગણાશે.
૪. છીપા સમસ્ત જમાત કમિટીનો કોઇપણ મેમ્બર સતત પાંચ મીટીંગમાં ગેરહાજર રહેશે તો કમિટી તેને ચાલુ રાખવું કે કમી કરવું તે નક્કી કરવાની સત્તા જમાત કમિટી ને રહેશે. આવી રીતે દૂર કરાયેલા મેમ્બરને ફરીથી ચુંટી કાઢવાની સત્તા છીપા સમસ્ત જમાત કમિટીને રહેશે. અગાઉથી પ્રમુખને લેખીત જાણ કરી મેમ્બર ગેરહાજર રહી શકશે.
૧૫. છીપા સમસ્ત જમાત કમિટીની મીટીંગ :
૧. છીપા સમસ્ત જમાત કમિટીની મીટીંગ પ્રમુખની સંમતિથી ઓ.જનરલ સેક્રેટરી ૨૪ કલાક અગાઉ સરકયુલર થી ખબર આપી બોલાવી શકશે અને તેમાં કામો, તારીખ વખત તથા જગ્યા દર્શાવાશે.
૨. છીપા સમસ્ત જમાત કમિટીની મીટીંગ મહીનામાં એક વખત બોલાવવામાં આવશે.
૩. છીપા સમસ્ત જમાત કમિટીની મીટીંગ માટે કોરમ ૧/૩ સભ્યોનું રહેશે અને નોન કોરમ મીટીંગ ૧ કલાક પછી બોલાવેલી તેજ કામ માટેની મીટીંગની કાર્યવાહી કરી શકશે.
૪. છીપા સમસ્ત જમાત કમિટીની મીટીંગનું પ્રમુખ સ્થાન પ્રમુખ લેશે. પ્રમુખની ગેરહાજરીમાં મીટીંગનું પ્રમુખ સ્થાન ઉપપ્રમુખ લેશે. પ્રમુખ અને ઉપપ્રમુખની ગેરહાજરીમાં કમિટીની કોઇપણ સભ્યને પ્રમુખ ચુંટી કમિટી કાર્યવાહી કરશે.
૫. પાછલી મીટીંગની પ્રોસેડીંગ કમિટીની ચાલુ મીટીંગ સામે વાંચી સંભળાવી મંજુર થયા પછી પ્રમુખ તેમજ ઓ. જ. સેક્રેટરી પ્રોસેડીંગ બુકમાં સહીઓ કરશે.
૬. છીપા સમસ્ત જમાતનું કોઇપણ શખ્સ જમાત કમિટીએ બનાવેલા કાનૂન ભંગ કરશે તો જમાત કમિટીમાં બોલાવી ખુલાશો માંગશે. જો તેનો ગુનો સાબીત થશે તો તેના ઉપર દંડ અથવા તો કમિટીને યોગ્ય લાગે તે પગલાં લઇ શકશે.
૭. છીપા સમસ્ત જમાત નો ઓડીટ થયેલ હિસાબ જમાત કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવશે.
૧૬. બંધારણમાં સુધારો :
આ બંધારણમાં સુધારો વધારો કરવાની સત્તા છીપા સમસ્ત જમાત કમિટીને રહેશે. પરંતુ આવો સુધારો વધારો અમલમાં મુકતા પહેલા તેજ કામ માટે બોલાવેલી સ્પેશીયલ છીપા સમસ્ત જમાત કમિટીની મીટીંગમાં ૨/૩ સભ્યોની બહુમતીથી સુધારો વધારો મંજુર કરવો પડશે.
૧૭. છીપા સમસ્ત જમાતની અન્ય સંસ્થાઓના વહીવટ અંગે :
છીપા સમસ્ત જમાતના ફંડ ફાળાથી ઉભી થયેલી અને છીપા સમસ્ત જમાત માટે કામ કરતી કોઇપણ સંસ્થા/ટ્રસ્ટ પોતે તે સંસ્થાનું વહીવટ સ્વેચ્છાએ છીપા સમસ્ત જમાત કમિટીને સોંપવા માંગતી હોય તો આવી સંસ્થા પોતાના હસ્તક લઇ તેનો વહીવટ કરી શકશે અને છીપા સમસ્ત જમાત કમિટી આવી સંસ્થા પોતાના હસ્તક લેવા માટે પણ યોગ્ય કાર્યવાહી કરી શકશે.
૧૮. અત્યારના એપ્રિલ સન : ૧૯૮૨ની ચોપડીમાં જણાવેલા છીપા સમસ્ત જમાતના સામાજિક રિવાજો તથા કાયદાઓ છીપા સમસ્ત જમાત કમિટીએ મંજુર કરેલા અને અમલમાં મુકેલા નિયમો છે તેમાં વખતો વખત સુધારો વધારો કરવાની સત્તા છીપા સમસ્ત જમાત કમિટીને આપવામાં આવે છે.
૧૯. અરજન્ટ મીટીંગ :
તાત્કાલિક છીપા સમસ્ત જમાત કમિટીની મીટીંગ પ્રમુખ-સેક્રેટરીની સલાહથી સભ્યોને ખબર આપી બોલાવી શકશે.
૨૦. રીકવીઝીશન મીટીંગ :
પ્રમુખ અથવા સેક્રેટરી તરફથી મીટીંગ બોલાવવામાં ના આવે તો ૧૫ સભ્યોની સહી સાથે સભ્યોને જાણ કરી મીટીંગ બોલાવવામાં આવશે. કોરમ થયેથી તે મીટીંગની કાર્યવાહી કાયદેસર ગણાશે.
૨૧. પેટા કમિટી અને તેના કાર્ય :
૧. છીપા સમસ્ત જમાત કમિટીને જમાતના પ્રમુખના સર્વોપરી નીચે તેના બંધારણના અમલના કામમાં મદદ કરવા માટે તેમજ બીજા જરૂરી કામોમાં મદદ કરવા માટે છીપા સમસ્ત જમાત કમિટીના સભ્યોમાંથી પેટા કમિટીઓ નીમવાની સત્તા રહેશે.
૨. છીપા સમસ્ત જમાત કમિટીને ઘડેલા કાયદા કાનૂનનો અમલ કરવા અને કરાવવા માટે તેમજ અન્ય કોઇ પ્રસંગે જમાત કમિટીને મદદરૂપ થાય તેવી પેટા કમિટીઓ (મોહલ્લા કમિટીઓ), છીપા સમસ્ત જમાત કમિટીના સભ્યો સિવાયની કમિટીઓ બનાવવાનો અધિકાર રહેશે.
૩. છીપા સમસ્ત જમાત કમિટી તરફથી નીમવામાં આવેલી પેટા કમિટીઓનું સંચાલન જે તે કમિટીના કન્વીનર નીમી કરવામાં આવશે. આ કમિટીઓએ છીપા સમસ્ત જમાત કમિટીના ઠરાવોને આધીન રહી જે જે કામો સોંપે તે કરવાના રહેશે તેમજ જે જે અધિકારો અને સત્તાઓ આપશે તે રહેશે. છીપા સમસ્ત જમાત કમિટીના પ્રમુખ ઓ. જ. સેક્રેટરીને કાર્ડ પેટા કમિટીઓની મીટીંગમાં હાજર રહેવા માટે લખશે.
૨૨. પ્રમુખની સત્તા અને ફરજો :
૧. પ્રમુખ છીપા સમસ્ત જમાતના વડા ગણાશે.
ર. છીપા સમસ્ત જમાતની તમામ સભાઓનું પ્રમુખ સ્થાન સંભાળશે.
૩. કોઇપણ મતભેદ વાલી બાબત ઉપર રૂલીંગ આપશે.
૪. પ્રમુખને મીટીંગો બોલાવવાનો, બરખાસ્ત કરવાનો તેમજ મુલત્વી રાખવાનો અધિકાર રહેશે.
૫. પ્રમુખ છીપા સમસ્ત જમાતના કામકાજ-કાયદા તેમજ વહીવટ ઉપર દેખરેખ રાખશે અને સામાન્ય દોરવણી આપશે.
૬. પ્રમુખને કાસ્ટીંગ વોટ આપવાનો અધિકાર રહેશે.
૭. છીપા સમસ્ત જમાત કમિટી સત્તા આપે તો ઓ. જ. સેક્રેટરી સાથે ચર્ચા કરી સભ્યો કો-ઓપ્ટ કરી શકશે.
૨૩. ઉપપ્રમુખની સત્તા :
પ્રમુખની ગેરહાજરીમાં ઉપપ્રમુખની સત્તા અને ફરજો પ્રમુખની સત્તા અને ફરજો મુજબની રહેશે.
૨૪. ઓ. જ. સેક્રેટરીની સત્તા અને ફરજો :
૧. કર્મચારીઓને પગાર આપશે.
૨. નોકરી દરમ્યાન ગેરવર્તણુંક માટે દંડ તથા શિક્ષા કરશે.
૩. છીપા સમસ્ત જમાત કમિટીના નામથી પત્ર વ્યવહાર કરશે.
૪. પ્રમુખ સાથે સલાહ મશાવરો કરી જનરલ મીટીંગ અથવા છીપા સમસ્ત જમાત કમિટીની મીટીંગ બોલાવશે તેની પ્રોસેડીંગ્સ પધ્ધતિસર રાખશે અને જાળવશે.
૫. છીપા સમસ્ત જમાતની જનરલ મીટીંગ (આમ પંચાયત)ના તેમજ છીપા સમસ્ત જમાત કમિટીના ઠરાવોનો અમલ કરશે તથા કરાવશે.
૬. નકામા ડેડ સ્ટોકનો નિકાલ કરશે અને નવું ખરીદ કરશે.
૭. કર્મચારીઓને એક માસ સુધીની રજા આપી શકશે.
૮. પ્રમુખની દેખરેખ નીચે રૂ. ૧૫૦૦/-નું ખર્ચ કરવાની સત્તા રહેશે.
૯. છીપા સમસ્ત જમાત કમિટીની મંજૂરી મેળવી સંસ્થા વતી દાવા, સીવીલ તથા ક્રીમીનલ પ્રોસેડીંગ્સ કરી શકશે. તેના કોઇપણ દાવા તથા પ્રોસેડીંગ્સમાં બચાવ કરી શકશે, પ્લીડીંગમાં સહી કરી શકશે, વકીલ રોકી શકશે, સમાધાન કરી શકશે, દાવા કે પ્રોસેડીંગ્સ માંડીવાળી શકશે, કોર્ટમાંથી સ્ટેમ્પ કોર્ટ ફી, રીફંડ તેમજ નાણાં વગેરે ઉપાડી શકશે અને દાવા અગર પ્રોસીડીંગ્સમાં જરૂરી તમામ કાર્યવાહી કરી શકશે.
૧૦. બીજી જે જે ફરજો તથા કાર્યો વખતો વખત છીપા સમસ્ત જમાત કમિટી સોંપશે તે અદા કરશે.
૨૫. જોઇન્ટ સેક્રેટરીની સત્તા અને ફરજો :
છીપા સમસ્ત જમાતના જનરલ સેક્રેટરી પોતાની સત્તા અને ફરજો જોઇન્ટ સેક્રેટરીઓને સોંપશે તે પ્રમાણે તેઓ ભોગવશે અને અદા કરશે. સેક્રેટરીની ગેરહાજરીમાં તેની કૂલ સત્તાઓ તથા ફરજો જેને તે ચાર્જ સોંપવામાં આવશે તે ભોગવશે અને અદા કરશે.
૨૬. ખજાનચી :
છીપા સમસ્ત જમાત કમિટીના નામનું બેન્કમાં ખાતું પ્રમુખ ઓ. જ. સેક્રેટરી અને ખજાનચીના જોઇન્ટ નામે ખોલશે અને કોઇપણ બેની સહીથી ખાતું ઓપરેટ કરી શકશે. ખજાનચીને વધારેમાં વધારે રૂ. ૧૫૦૦/- સુધીની રકમ હાથ ઉપર રાખવાની સત્તા રહેશે.
૨૭. નાણાકીય વ્યવસ્થા :
છીપા સમસ્ત જમાતની આવકના સાધનોમાં દંડ, ફાળો, દાન, લાગો, ભેટ, સોગાદ, ભાડાની આવક, મનોરંજન કાર્યક્રમ વિગેરે રહેશે.
૨૮. વહીવટ ગ્રહણ :
છીપા સમસ્ત જમાત કમિટી તારીખ ૨૩-૩-૮૭ના રોજના આમ છીપા સમસ્ત જમાતના ઠરાવથી અમલમાં આવી છે અને તેજ તારીખથી જમાતની તમામ મીલકતોનો વહીવટ સંભાળી લીધો છે.
૨૯. ટ્રસ્ટીઓ :
હાલના ટ્રસ્ટીઓ નીચે મુજબ છે.
૧. જનાબ હાજી અબ્દુલગની હાજી સુલતાનજી સોજતવાલા
૨. જનાબ હાજી શમસુદ્દીન હાજી ગનીભાઇ દેવડીવાલા
૩. જનાબ હાજી અ.કરીમ નુરમોહંમદજી સવાઇજીવાલા
૪. જનાબ ફરીદભાઇ હકીમજી રજાઇવાલા
૫. જનાબ હાજી યુસુફભાઇ તનાબક્ષજી અમરાવતીવાલા
૩૦. છીપા સમસ્ત જમાતનું હિસાબી વર્ષ :
છીપા સમસ્ત જમાતનું હિસાબી વર્ષ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે માર્ચ આખરનું રહેશે અને દેશીનામા પધ્ધતિએ તેના દરેક હિસાબી ચોપડાઓ વિગેરે રાખવામાં આવશે.
૩૧. ઓડીટર્સ :
છીપા સમસ્ત જમાત કમિટી દરેક વર્ષે તેના હિસાબો ઓડીટ કરાવવા માટે ઓડીટર્સની નિમણૂક કરશે.
૩૨. અમલીકરણ :
તા. ૧૭-૩-૮૭ના જમાત કમિટીની મીટીંગમાં બંધારણમાં સુધારા વધારા કરવા સારું નિમેલી બંધારણ કમિટીએ સુચવેલા સુધારા વધારા રજુ કર્યા છે અને તા. ૨૪-૪-૮૭ની મીટીંગમાં મંજુર કરી અમલમાં મૂકેલા છે.
|
|
|